ગાંધી જયંતિ: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨ ઓક્ટોબર ૨૦૨૫
02 October, 2025

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
અતિથિવિશેષ : શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ
સર્વધર્મ પ્રાર્થના - પ્રવચન
સવારે ૮-૩૦ થી ૯-૩૦ કલાકે, સ્થળ : હૃદયકુંજ
ગાંધી જયંતી તા. ૨ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવારે સવારે ૮-૩૦ કલાકે સાબરમતી આશ્રમમાં, ગ્રામ પુનરુત્થાન અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી રચનાત્મક કાર્ય કરી રહેલા શ્રી ચૈતન્યભાઈ ભટ્ટના સાન્નિધ્યમાં સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ અતિથિવિશેષનું પ્રાસંગિક પ્રવચન થશે.
આ કાર્યક્રમમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ
ગાંધીયુગના પ્રખર સત્યાગ્રહી શ્રી આત્મારામભાઈ ભટ્ટના પૌત્ર એવા શ્રી ચૈતન્યભાઈ અનીલભાઈ ભટ્ટનો જન્મ ૧૯૫૮માં થયો હતો. ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા તથા લોકભારતી, સણોસરામાં બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો. નારાયણભાઈ દેસાઈ સાથે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય અને મનુભાઈ પંચોળી સાથે પંડિત સુખલાલજી વિદ્યાલયમાં વિશેષ ઘડતર થયું. ગાંધીવિચારથી રંગાયેલા પરિવારનાં સોનલબેન તેમને જીવનસંગીની રૂપે મળ્યાં. લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના અને ગ્રામોત્થાનનું કાર્ય કરવાની આ દંપતીની ઈચ્છા તેમને ઢેઢૂકી ગામમાં ખેંચી લાવી. લોકશિક્ષણ, લોકસંગઠન, લોકજાગૃતિ અને લોકભાગીદારીથી કામો કરવા વગેરે આધારસ્થંભો સાથે વર્ષ ૧૯૮૯માં ‘લોકમિત્રા’ નામની સંસ્થાની સ્થાપના કરી. સવારે બાળમંદિર, દિવસે લોકસંપર્ક અને રાત્રે પ્રૌઢજનોની રાત્રિશાળા દ્વારા કામનો આરંભ કર્યો. ત્યાર પછી જરૂરિયાત અનુસાર વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા આધારિત કેળવણીકેન્દ્ર, બહેનોની જાગૃતિ અને આત્મનિર્ભરતા, કન્યા કેળવણી, પાણી સંગ્રહ, આરોગ્યકેન્દ્ર, શિક્ષક તાલીમ, બચત મંડળો, સજીવ ખેતી, વ્યસન મુક્તિ, કુરિવાજ નાબુદી, પ્રેરણા-પ્રવાસ, વૃક્ષારોપણ વગેરે જેવા અનેક કાર્યક્રમો શરુ કરીને ગામડા અને ગ્રામવાસીઓને સ્વાવલંબી બનાવવામાં તેઓ પ્રયત્નશીલ છે. ‘લોકમિત્રા’નું આગવું પ્રદાન એટલે વર્ષ ૨૦૦૮માં શરુ થયેલી “ક” શાળા. શાળા શિક્ષણમાં ન ગોઠવાયેલા અને જાતે જીવન ઘડતર કરવા ઈચ્છતા બાળકો માટે જાતે અભ્યાસ કરવાની તક આપતું આગવું અધ્યયન કેન્દ્ર. ‘લોકમિત્રા’ને ગાંધીયન યંગ એસોસિયેશનનો અશોક ગોંધિયા એવોર્ડ, દર્શક એવોર્ડ, ગુરુ ગૌરવ જેવા અનેક પુરસ્કારોથી નવાજવામાં આવી છે. સાદું અને સરળ જીવન જીવીને ચૈતન્ય-સોનલ દંપતી લોકમિત્ર બનીને અનેક ગામોના ગ્રામજનોના જીવનમાં ઉજાસ પાથરી રહ્યા છે. જીવનનાં સોનેરી વર્ષો નિસ્વાર્થભાવે સમર્પિત કરીને લોકહૈયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શાંત ચિત્તે, નિરપેક્ષ અને નિસ્વાર્થ ભાવે લોકસેવા કરીને શ્રી ચૈતન્યભાઈ સાચા અર્થમાં ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ પંક્તિને સાર્થક કરી રહ્યા છે.