સ્વ. ઇલાબહેન ભટ્ટ : શ્રધ્ધાંજલિ સભા
23 November, 2022
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
સ્વ. ઇલાબહેન ભટ્ટ : શ્રધ્ધાંજલિ સભા
તા. ૨૩-૧૧-૨૦૨૨, બુધવાર, સાંજે ૪-૩૦ : સાબરમતી આશ્રમ
ભાઈશ્રી/બહેનશ્રી,
ગાંધીવિચારના પરિવારમાં ઉછરેલાં, જગવિખ્યાત ‘સેવા’ સંસ્થાનાં સ્થાપક અને સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ઇલાબહેન ભટ્ટનું તા. ૦૨-૧૧-૨૦૨૨ના રોજ ૮૯ વર્ષની વયે દેહાવસાન થયું છે.
શ્રી ઈલાબહેન ભટ્ટ કાયદામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી સમાજના નીચલા સ્તરની મહિલાઓ તથા અસંગઠિત મજૂરોની શક્તિને સમાજહિતમાં જોડવાનો ઉદ્યમ કરતાં રહ્યાં. તળભૂમિના સમાજ સાથેના એમના જીવંત સંપર્કના ફળરૂપે ‘સેવા’ સંસ્થાની તેમણે સ્થાપના કરી. તેમણે સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી તથા અધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પણ સેવા આપી હતી.
શ્રી ઇલાબહેન હંમેશા ટ્રસ્ટના કાર્યમાં ગાંધીવિચારની પ્રણાલી જળવાય અને ગાંધીમૂલ્યોનું જતન થાય તેની ચીવટ રાખતાં હતાં. સહુને સાથે રાખીને ચાલવાનો એમનો અભિગમ પણ નોંધપાત્ર રહ્યો છે. તેઓ હમેશાં કહેતાં અમદાવાદની બધી ગાંધીપ્રેરિત વિચારોથી ચાલતી સંસ્થાઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. આશ્રમ પરિસરના રી-ડેવલપમેન્ટમાં પણ કોઈને અન્યાય ન થાય, બળજબરી ન થાય તેવો તેમનો આગ્રહ હતો.
શ્રી ઇલાબહેન ભટ્ટના જીવન, કાર્યો તથા આશ્રમ સાથેના એમના સંબંધોનું સ્મરણ કરવા સાબરમતી આશ્રમમાં યોજાયેલ શ્રધ્ધાંજલિ-પ્રાર્થના સભામાં આપને આપના સાથી-કાર્યકર્તાઓ સાથે ભળવા વિનંતી છે.
નિમંત્રક
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ
ગુજરાત હરિજન સેવક સંઘ ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ
ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ આશ્રમવાસી પરિવાર
ગૂજરાત વિદ્યાપીઠ મજૂર મહાજન સંઘ
નવજીવન ટ્રસ્ટ સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા)