શ્રી ઇલાબહેન ભટ્ટને શ્રધ્ધાંજલિ
02 November, 2022
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
રાષ્ટ્રવિકાસમાં અસંગઠિત મહિલાઓને સંયોજતી ‘સેવા’ સંસ્થાના સ્થાપક
શ્રી ઇલાબહેન ભટ્ટને સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટની શ્રધ્ધાંજલિ
ગાંધીવિચારના પરિવારમાં ઉછરેલાં, જગવિખ્યાત ‘સેવા’ સંસ્થાનાં સ્થાપક અને સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટનાં અધ્યક્ષ શ્રી ઇલાબહેન ભટ્ટનું તા. ૦૨-૧૧-૨૦૨૨ના રોજ ૮૯ વર્ષની વયે દેહાવસાન થયું છે. તા. ૦૧-૦૭-૨૦૧૪થી સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ તા. ૧૫-૧૦-૨૦૧૬થી ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે તેમણે સેવા આપી છે. ટ્રસ્ટના કાર્યમાં ગાંધીવિચારની પ્રણાલી જાળવવાની એમની ચીવટ, ગાંધીમૂલ્યોના જતન તથા દરેકને સાથે રાખીને ચાલવાનો એમનો અભિગમ નોંધપાત્ર છે.
શ્રી ઈલાબહેન ભટ્ટ કાયદામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી સમાજના નીચલા સ્તરની મહિલાઓ તથા અસંગઠિત મજૂરોની શક્તિને સમાજહિતમાં જોડવાનો ઉદ્યમ કરતાં રહ્યાં. તળભૂમિના સમાજ સાથેના એમના જીવંત સંપર્કના ફળરૂપે ‘સેવા’ સંસ્થાની તેમણે સ્થાપના કરી. વટવૃક્ષ સમી આ જગવિખ્યાત સંસ્થા દ્વારા મહિલા શક્તિની જાગૃતિ, સંગઠન તથા તેના સંવર્ધનમાં તેમનું અદકેરું પ્રદાન રહ્યું છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પણ સેવા આપી હતી.
શ્રી ઈલાબહેનને જગવિખ્યાત રેમન મેગ્સેસે એવોર્ડ, રાઈટ લાઇવલીહુડ એવોર્ડ, ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ અને ‘પદ્મભૂષણ’, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર જેવાં અનેક સન્માન મળ્યાં છે. દેશ-વિદેશની અનેક યુનિવર્સિટીની માનદ ડોકટરેટની પદવીઓ પણ તેમને એનાયત કરવામાં આવી છે. તેમણે ‘વી.આર.પુઅર બટ સો મેની : ધ સ્ટોરી ઓફ સેલ્ફ એમ્પ્લોય્ડ વુમન ઇન ઇન્ડિયા’ અને ‘અનુબંધ : બિલ્ડીંગ હન્ડ્રેડ માઈલ કોમ્યુનિટી’ પુસ્તકો લખ્યાં છે.
શ્રી ઇલાબહેન ભટ્ટના જીવન, કાર્યો તથા આશ્રમ સાથેના એમના સબંધોનું સ્મરણ કરીને સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ પરિવાર તેમના દિવ્ય આત્માને ચિર શાંતિ મળે અને તેમની સાથે સંકળાયેલા સૌને એમના જીવનમાંથી પ્રેરણા મળે તેવી પ્રાર્થના કરે છે તથા શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે. તેમની જીવન સુવાસ સદાય આપણા જીવનને મહેકાવતી રહેશે.
અમૃત મોદી તા. ૦૩-૧૧-૨૦૨૨
મંત્રી