પ્રજાસત્તાક દિન : ૨૦૨૪ : ધ્વજવંદન
26 January, 2024
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
પ્રજાસત્તાક દિન : ૨૦૨૪ : ધ્વજવંદન
તા. ૨૬-૦૧-૨૦૨૪ : શુક્રવાર : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
પ્રજાસત્તાક દિન, ૨૬ જાન્યુઆરી ૨૦૨૪, શુક્રવારે, સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના પૂર્વ મંત્રી શ્રી અમૃતભાઈ મોદીના વરદ હસ્તે ધ્વજવંદન થશે.
‘દાદા’ના હુલામણા નામથી જાણીતા શ્રી અમૃતભાઈ મોદીએ વર્ષ ૧૯૭૪થી વર્ષ ૨૦૨૩ (૫૦ વર્ષ) સુધી સાબરમતી આશ્રમના વ્યવસ્થાપક અને મંત્રી તરીકે ફરજ બજાવી છે. તેમનો જન્મ તા. ૩૦-૦૪-૧૯૩૩ના રોજ મહેસાણા જીલ્લાના પેઢામલી ગામમાં થયો હતો. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. સૌરાષ્ટ્ર સચિવાલય, રાજકોટમાં નોકરી દરમ્યાન ડૉ. દ્વારકાદાસ જોશીના સંપર્ક થતા વિનોબાજીની ૧૯૫૫માં શરુ થયેલી ભૂદાન-યાત્રામાં જોડાવા નોકરી છોડી દીધી. બે-ત્રણ વર્ષ સુધી મહીને ૨૦-૨૫ દિવસ પદયાત્રાઓમાં જતા. આ દરમ્યાન વિનોબાજી, જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી, રવિશંકર મહારાજ જેવા અનેક સર્વોદય આગેવાનો સાથે કામ કરવાનું તથા ત્રણેક હજાર વીઘા જમીન વહેંચવાના સાક્ષી થવાનું સદ્ભાગ્ય તેમને મળ્યું છે.
તેમણે ગુજરાત સર્વોદય મંડળના મંત્રી તરીકે સર્વોદય વિચારધારાના સામયિક ‘ભૂમિપુત્ર’ના સંપાદક તરીકે, ‘યજ્ઞ પ્રકાશન’ની પ્રકાશક અને મુદ્રક તરીકે કામગીરી કરી છે. અનેક પુસ્તકોનો અનુવાદ તથા સંકલન તેમણે કર્યું છે. તેમણે વિનોબાના જીવન પર બે આત્મકથા તથા સર્વોદયની ચળવળના ૭ પુસ્તકો લખ્યાં છે. જેમાં મહર્ષિ વિનોબા, વાત્સલ્યમૂર્તિ દાદા, રાષ્ટ્રીય જીવનચરિત્ર ગ્રંથાવલી, સરહદના ગાંધી વગેરેનો સમાવેશ થાય છે. અનેક વર્તમાનપત્રો અને સામયિકોમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. તેમના અનુભવ અને દીર્ઘદ્રષ્ટિનો લાભ હજું પણ સાબરમતી આશ્રમને મળી રહ્યો છે.
ધ્વજવંદનમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભાગ લેવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ