ગાંધી જયંતિ: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨ ઓક્ટોબર ૨૦૨૪
02 October, 2024
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી જયંતિ: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨ ઓક્ટોબર, ૨૦૨૪
અતિથિવિશેષ : શ્રી રઘુવીરભાઈ ચૌધરી
સર્વધર્મ પ્રાર્થના - પ્રવચન
સવારે ૮-૩૦ થી ૧૦:૦૦ કલાકે, સ્થળ : હૃદયકુંજ
ગાંધીજયંતી તા. ૨ ઓક્ટોબર ૨૦૨૪, બુધવારે સવારે ૮-૩૦ કલાકે સાબરમતી આશ્રમમાં ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર અને વિવેચક એવા શ્રી રઘુવીરભાઈ ચૌધરીના સાન્નિધ્યમાં સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ અતિથિવિશેષનું પ્રાસંગિક પ્રવચન થશે.
આ કાર્યક્રમમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : શ્રી રઘુવીરભાઈ ચૌધરી
શ્રી રઘુવીરભાઈ ચૌધરીનો જન્મ વર્ષ ૧૯૩૮માં ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ આવીને અધ્યાપન કાર્યની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૨માં એમ.એ. અને ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને એચ.કે.આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૯૮માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા. શ્રી રઘુવીરભાઈ ગાંધીવિચાર આધારિત બુનિયાદી-નઈ તાલીમની શૈક્ષણિક સંસ્થા ગ્રામભારતી તથા લોકભારતી ગ્રામવિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી છે. આદ્ય કવિ નરસિંહ મેહતા સાહિત્ય નિધિ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના પણ ટ્રસ્ટી છે. તેમણે ૧૨૫થી વધુ પુસ્તકો લખ્યા છે. જેમાં નવલકથાઓ, વાર્તાસંગ્રહ, કાવ્યસંગ્રહ, નાટકો, જીવનચરિત્રો, વિવેચનો વગેરેનો સમાવેશ થાય છે. તેઓ ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’ ઉપનામથી પણ જાણીતા છે.
તેમને અનેક સન્માનો-પુરસ્કારો મળ્યા છે. ૨૦૧૫માં તેમને જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો. ત્યાર પહેલાં ‘કુમાર’ ચંદ્રક (૧૯૬૫), રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૫), ‘ઉપરવાસ’-કથાત્રયી માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર (૧૯૭૭), દર્શક ફાઉન્ડેશન તરફથી ઍવૉર્ડ (૧૯૯૪) વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં ગુજરાત યુનિવર્સિટીએ તેમને માનદ્ ડિ. લિટ્ની પદવી એનાયત કરી. વર્ષ ૨૦૨૪માં ભારત સરકાર દ્વારા તેઓને ‘પદ્મશ્રી’થી સન્માનીત કરવામાં આવ્યા.