ગાંધી નિર્વાણ દિન : ૨૦૨૫
28 January, 2025

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી નિર્વાણ દિન : ૨૦૨૫
અતિથિવિશેષ : શ્રી રજનીભાઈ દવે
સર્વધર્મ પ્રાર્થના - પ્રવચન
સવારે ૮-૩૦ થી ૯-૩૦ કલાકે, સ્થળ : હૃદયકુંજ
ગાંધી નિર્વાણદિન ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫, ગુરુવારે સવારે ૮:૩૦ વાગે સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ અતિથિવિશેષ શ્રી રજનીભાઈ દવે પ્રાસંગિક સંબોધન કરશે.
સર્વધર્મ પ્રાર્થના-પ્રવચનમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભાગ લેવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : શ્રી રજનીભાઈ દવે
શ્રી રજનીભાઈ દવેનો જન્મ ૧૯૪૯માં થયો હતો. ડિપ્લોમા મિકેનિકલ અને ઈલેક્ટ્રીકલ સુધીનો અભ્યાસ કરીને જી.ઈ.બી.માં ટ્રેઈની ઈજનેર તરીકે જોડાયા પછી અમદાવાદ, સુરત અને નવસારીની ટેક્ષટાઈલ મિલોમાં ૧૭ વર્ષ ઈજનેર તરીકેની કામગીરી કરી. ગ્રામજીવન, કૃષિ, પર્યાવરણ, આપદા-પ્રબંધન અને ઇજનેરી વિદ્યા પ્રત્યેનો એમનો વિશેષ લગાવ તથા પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ ગ્રામજનો માટે કરવાના હેતુથી તેમણે નોકરી છોડી. નર્મદા કિનારે રાજપીપળા પાસે આવીને વસ્યા અને ગ્રામવિકાસના કામમાં જોડાઈ ગયા. વર્ષ ૧૯૮૩માં ‘માનવીય ટેકનોલોજી ફોરમ’ના સભ્ય બન્યા અને ત્યાં સામયિકોનું સંપાદન અને ઘણા સંમેલનો કર્યા. લોકસંપર્ક વધતા ૧૯૯૬થી લોકઆંદોલનોમાં જોડાયા અને વર્ષ ૧૯૯૯માં વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાંથી જન્મેલા અને નારાયણ દેસાઈ-પ્રબોધ ચોકસીએ સ્થાપેલા યજ્ઞ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતાં ‘ભૂમિપુત્ર’ સામયિકના સંપાદન-લેખન કાર્યમાં જોડાયા. ગાંધીજી અને વિનોબાના વિચારો અને લેખનનું રજનીભાઈએ ઊંડું અધ્યયન-ચિંતન કરેલું છે. રજનીભાઈએ યજ્ઞ પ્રકાશન દ્વારા જે પુસ્તક-પ્રવૃત્તિ કરી છે તેના માટે ગુજરાત તેમનું વિશેષ ઋણી છે અને રહેશે. છેલ્લાં પચીસેક વર્ષથી સંપાદક મંડળની એમની ભૂમિકામાં અનેક પુસ્તકો ગુજરાતના નાગરિક સમાજને યજ્ઞ પ્રકાશન તરફથી વાજબી કિંમતે મળતાં રહ્યાં છે. પર્યાવરણ, વિજ્ઞાન, અધ્યાત્મ, લોકસંપર્ક, જળ-જમીનના પ્રશ્નો વગેરે તેમના રસના વિષયો છે, આ વિષયો પર તેમણે અનેક પુસ્તકો તથા વિશેષાંકોનું લેખન અને સંપાદન કાર્ય કર્યું છે. ૭૫ વર્ષની ઉંમરે પણ બાળક જેવું નિર્દોષ, નરવું, પ્રસન્નકારક વ્યક્તિત્વ ધરાવતાં શ્રી રજનીભાઈની પુસ્તકો-પ્રકાશન પ્રત્યેની લગન અને મહેનત સરાહનીય છે.